મોડાસા – નડિયાદ રસ્તો ચારમાર્ગીય કામગીરી તાત્કાલિક શરૂ કરવા માંગ, ભારે વાહનો ઉપર પ્રતિબંધ હટાવવાની પણ રજૂઆત

 

કોંગ્રેસે કલેકટરને આવેદન પત્ર  અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિદ્વારા કલેક્ટરશ્રીને મોડાસા – નડિયાદ માર્ગ (રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH 848K) ને ચારમાર્ગીય બનાવવાની તાત્કાલિક કામગીરી શરૂ કરાવવા તથા હાલ આ માર્ગ પર મુકાયેલા ભારે વાહનો ઉપરના પ્રતિબંધને હટાવી ટ્રાફિક સામાન્ય કરવા અંગે જોરદાર માંગ કરવામાં આવી છે.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઇ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2019માં આ માર્ગને રાષ્ટ્રીય ધોરીમાર્ગ જાહેર કરવામાં આવ્યો હતો અને આજ માર્ગ પરથી દૈનિક અંદાજે 35,000થી વધુ પી.સી.યુ. ટ્રાફિક પસાર થાય છે. તેમ છતાં માર્ગના ચારમાર્ગીયકરણનું કામ શરૂ કરવાને બદલે ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ કારણે ટ્રાન્સપોર્ટ વ્યવસાયીઓ, નાના ધંધાર્થીઓ અને માર્ગકાંઠાના વેપારીઓને ભારે આર્થિક નુકસાન પહોંચી રહ્યું છે.

તેમણે વધુ મા જણાવ્યું હતું કે, ગુજરાત વિકાસશીલ રાજ્ય હોવા છતાં ટ્રાફિકને સરળ બનાવવા માટે માર્ગ પહોળો કરવાની કામગીરી કરવા ને બદલે ભારે વાહનોને રોકવામાં આવે છે, એ શરમજનક બાબત છે. મોડાસા–ગોધરા ટોલ રોડને લાભ પહોંચાડવા માટે આ વિલંબ કરવામાં આવી રહ્યો હોય તેવી શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

રજુઆતમાં મુખ્ય ત્રણ માગણીઓ કરવામાં આવી છે મોડાસા–નડિયાદ માર્ગનું ચારમાર્ગીયકરણ કામગીરી તાત્કાલિક શરૂ કરવી .ભારે વાહનો ઉપર મુકાયેલો પ્રતિબંધ તાત્કાલિક હટાવી ટ્રાફિક સામાન્ય કરવો.સ્થાનિક ધંધાર્થીઓ તથા રોજગારી આધારિત વેપારીઓને ન્યાય મળે તે માટે જરૂરી પગલાં લેવા.અને જો અકસ્માતનો ભય હોય તો પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવો. આ માર્ગ અરવલ્લી સહિત અનેક જિલ્લાઓને સીધો ફાયદો કરાવતો મુખ્ય માર્ગ હોવાથી સરકારશ્રી દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા આ વિસ્તારના લોકોની સાથે રહી આંદોલનાત્મક કાર્યક્રમો કરવામા આવશે.આવેદનપત્ર આપવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઇ પટેલ, કમલેન્દ્રસિંહ પુવાર, જી. આઈ. ખાલક, અશોકસિંહ ઝાલા,રાહુલ પટેલ, નિશ્ચલ પટેલ, હિંમતસિંહ પરમાર, અંજુબેન , મોયુદ્દીનભાઈ , કરણસિંહ પરમાર સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P