તા.22મી જુન ને રવિવારે ગુજરાત રાજયની પંચાયત ચુંટણીઓના ભાગરૂપે અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના રીંટોડા ગ્રામ પંચાયતની ચુંટણીમાં એક પ્રેરણાદાયી ઘટના સામે આવી છે.રીંટોડા ગામના સૌથી વયોવૃદ્ધ નાગરિક, 100 વર્ષથી વધુ વય ધરાવતા ડાહીબેન મોતીરામ જોશી એ જાતે ચાલીને મતદાન મથકે પહોંચી પોતાનો પવિત્ર મત આપ્યો હતો.એકલવાયું જીવન જીવતા ડાહીબેનની આ ઉમદા કૃત્યએ યુવા પેઢીને મતદાનનું મહત્વ સમજાવવા એક અનોખું ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
ડાહીબેનની સંભાળ રાખનાર કાંતીભાઈ ઉપાધ્યાય, વડીલ વસંતભાઈ ત્રિવેદી અને સામાજીક કાર્યકર પારૂલબેન પ્રફુલભાઈ ઉપાધ્યાયની મદદથી તેઓ મતદાન મથકે પહોંચ્યા હતા.ડાહીબેનની મતદાન પ્રત્યેની ઉત્સુકતા અને જવાબદારીની ભાવના ખરેખર પ્રશંસનીય છે.કાન્તીભાઈ ઉપાધ્યાયે જણાવ્યું કે, “ચૂચુંટણીની જાહેરાત થઈ ત્યારથી ડાહીબેન મતદાન કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા.ઉમેદવારો અને ચુંટણી અધિકારીઓ તેમના ઘરે મતદાનની કાપલી આપવા આવ્યા ત્યારથી તેઓ મતદાન દિવસની રાહ જોઈ રહ્યા હતા.આજે સવારે જ્યારે મતદાનની વાત થઈ, તેઓ તરત જ તૈયાર થઈ ગયા અને મતદાન મથકે જવા નીકળ્યા.”ડાહીબેનનું આ પગલું ગ્રામ પંચાયતની ચુંટણીમાં દરેક નાગરિકની સહભાગિતાનું મહત્વ દર્શાવે છે.તેમની ઉંમર અને શારીરિક મર્યાદાઓ હોવા છતાં, તેમણે લોકશાહીના આ મહાપર્વમાં ભાગ લઈને સમાજને એક શુભ સંદેશ આપ્યો છે કે, મતદાન એ ફરજ નહીં, પરંતુ દરેક નાગરિકનો અધિકાર અને ગૌરવની વાત છે.આ ઘટનાએ રીંટોડા ગામના અન્ય મતદારોમાં પણ ઉત્સાહનો સંચાર કર્યો હતો.ડાહીબેન જેવા નાગરિકોનું યોગદાન મહત્વનું સાબિત થાય છે અને તેમનું આ કાર્ય નવી પેઢીને મતદાન પ્રત્યે જાગૃત થવા અને લોકશાહીને મજબૂત કરવા પ્રેરણા આપે છે.