બી-કનઇ શાળા, સબલપુર, મોડાસા ખાતે શિવોત્સવ – 2025 નો ભવ્ય કાર્યક્રમ શ્રદ્ધા, ભક્તિ અને જ્ઞાનની અનોખી છાયામાં ઉજવાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ભારતના 12 પવિત્ર જ્યોતિર્લિંગો વિશે જાણકારી આપવાનો અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું સંવર્ધનનો હતો.
વિદ્યાર્થીઓ અને શિક્ષકગણની મહેનત અને સર્જનાત્મકતાના આધારે શાળા પરિસરમાં 12 અલગ-અલગ સ્થળોએ 12 જ્યોતિર્લિંગોની કલાત્મક પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી હતી. દરેક પ્રતિકૃતિ સાથે જે-તે પ્રદેશના ઇતિહાસ, ધાર્મિક અને ઐતિહાસિક મહિમા, વસ્ત્ર-પરિધાન, ભોજન તેમજ તે સ્થાન પર બસ, ટ્રેન કે વિમાન દ્વારા સહિતની પહોંચવાની વિગતવાર માહિતી પણ પ્રસ્તુત કરવામાં આવી હતી, જેને વિદ્યાર્થીઓએ ઊંડાણપૂર્વક માણી.
કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શિવત્વ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવ્યા. જેમાં શિવ તાંડવ સ્તોત્ર પર નૃત્ય, ભજનગાન, શિવ રાસ, શિવ અને શ્રાવણ માસ વિશે વક્તવ્ય અને અન્ય ભક્તિમય રજૂઆતો જોઈને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મહેમાનો મંત્રમુગ્ધ થઈ ગયા.
આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળના પ્રમુખશ્રી બીપીનભાઈ ર. શાહ, ઉપપ્રમુખશ્રી પંકજભાઈ બુટાલા, મંત્રીશ્રી ધીરેનભાઈ પ્રજાપતિ તથા નિખીલભાઈ શાહ, મંડળના હોદ્દેદારો તેમજ શાળાના ડિરેક્ટરશ્રી, પ્રિન્સિપાલશ્રી તેમજ તમામ શિક્ષકગણની વિશેષ ઉપસ્થિતિ રહી. તેઓએ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા અને ભારતીય સંસ્કૃતિ તેમજ સ્થળ અંગેની માહિતી અને સંસ્કૃતિ તરફ વધારે આકર્ષણ જાગૃત કરવા માટે આવી પ્રવૃત્તિઓની પ્રશંસા અને સરાહના કરી.