રીંટોડા ગ્રામ પંચાયતની ચુંટણીમાં હંસાબેન કાંતિભાઈ હોથાના શાનદાર વિજય સાથે સૌથી વધારે મહિલા સભ્યો સાથેની ગ્રામ પંચાયત બની છે. હંસાબેનની પેનલના સાત સભ્યો અગાઉ બિન હરીફ થયા જેમાં પાંચ મહિલા સભ્યો બિન હરીફ વિજેતા જાહેર થયાં હતાં.પારૂલબેન પ્રફુલ્લભાઇ ઉપાધ્યાય, અરૂણાકુંવરબા રણવીરસિંહ સિસોદિયા, બદામીબેન જાફરનાથ મદારી, પાયલબેન દોલજીભાઈ હોથા, કિંજલબેન મનોજભાઇ ખરાડી તથા અમૃતભાઈ વાલજીભાઇ હોથા અને ભુપેન્દ્રભાઈ કોદરભાઇ ખરાડી બિન હરીફ થયા હતા. આજે આવેલાં સરપંચના પરીણામ બાદ રીંટોડા ગ્રામ પંચાયતમાં સરપંચ સહિતના કુલ નવ સદસ્યોમાં છ મહિલાઓ સૌ પ્રથમવાર પંચાયતના વહીવટમાં આવતાં કુલ સભ્યોના બેતૃતીયાંશ મહિલાઓ છે જે મહિલા સશકતીકરણ અને ગ્રામ વહીવટ અને પંચાયતના સંચાલનમાં પુરૂષોના સમકક્ષ પોતાની કાબેલિયત સાથે ચુંટાઇ આવી અનોખું ઉદાહરણ પુરૂ પાડ્યું છે.એમાં પણ વિશેષત: દરેક સમાજની મહિલાઓ અને એમાં પણ મદારી, બ્રાહ્મણ, રાજપુત અને આદીવાસી સમાજની સૌથી નાની ઉંમરની યુવા સભ્યોની બનેલી પંચાયત એ ફકત સામાજીક જ નહિં યુવા ભાગીદારીનો અને સમાજીક એકતાનો પરિચય કરાવ્યો છે.સોળસો જેટલા મતદારો અને કુલ આઠ વોર્ડ સાથેનું રીંટોડા ગામ હાથમતી જળાશયમાં ડુબમાં ગયેલા અને અહી વસેલા થુરાવાસ ગામના બ્રાહ્મણ, રાજપુત, ઠાકોર, પ્રજાપતિ, દરજી, પંચાલ તથા પદ્મ શ્રી લોકપ્રિય ધારાસભ્ય ઉપેન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા વસાવવામાં આવેલા બસોથી વધારે મદારી પરિવારો, ઓડ, વણઝારા અને મુળથી વસેલા બહોળા આદીવાસી પરીવારો વચ્ચેની એકતાથી રીંટોડાનો વિકાસ થયો છે અને એમાં વર્ષોથી ગામની વિકાસ અને એકતા માટે દિવસ - રાત મહેનત કરતા પ્રફુલ્લભાઈ ઉપાધ્યાયના માર્ગદર્શન અને રીંટોડા ગામની એકતાના અપ્રતીમ કાર્યોથી રીંટોડા ગ્રામ પંચાયતમાં સૌથી વધારે બિન હરીફ સભ્યો અને એમાં પણ સૌથી વધારે મહિલાઓને પંચાયતમાં પ્રતિનિધિત્વ મળ્યું છે.એમનાં ધર્મ પત્ની પારૂલબેન ઉપાધ્યાય માટે સામેથી આદર પુર્વક સભ્યની ઉમેદવારી કરવા પોતાની સીટ ત્યજી બિન હરીફ સભ્ય બનાવી ગ્રામજનોએ આદર અને સન્માનનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.